વર્તમાન સમયમાં મનુષ્ય ચંદ્ર સુધી પહોંચી ગયો છે. કૃત્રિમ હાથ-પગ, હ્રદય સુદ્ધાંનું નિર્માણ કરી શક્યો છે પરંતુ હજુ પણ માનવી લોહીનું નિર્મન નથી કરી શક્યો. અપૂરતા લોહી અને લોહીની ઉણપને કારણે મનુષ્ય અનેક રોગોનો ભોગ બને છે. લોહી સાથે સંકળાયેલી આવી જ એક જીવલેણ બીમારી એટલે થેલેસેમિયા.
ગુજરાત રાજ્યમાં દર વર્ષે 9000 જેટલા થેલેસેમિયા મેજર બાળકોનો જન્મ થાય છે. આવા બાળકોનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે અથવા તો જ્યાં સુધી જીવે ત્યાં સુધી દર મહિને લોહીની બોટલ ચડાવવાની સ્થિતિ ઊભી થતી હોય છે. આવા જ એક થેલેસેમિયા કિશોરના માતા પુષ્પાબહેન રાજેશભાઇ વાણિયા જણાવે છે કે, હું અને મારા પતિ થેલેસેમિયા માઇનોર છીએ એ ખબર જ ન હતી. અમારો પુત્ર ધૃમિલ થેલેસેમિયા મેજર જન્મ્યો અને બારમાં ધોરણમાં આવ્યો અને અમે તેને ગુમાવી દીધો.

આ માત્ર એક ધૃમિલની વાત નથી આવા હજારો ધૃમિલ થેલેસેમિયાથી પીડાય છે. થેલેસેમિયાગ્રસ્ત બાળક ના જન્મે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં થેલેસેમિયા મેજર બાળકને જન્મતુ અટકાવવા માટે ખાસ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. જેમાં 600 થી વધુ બાળકોનું થેલેસેમિયા મેજર ન જન્મે તે હેતુથી કાયદા અનુસાર અબોર્શન કરવામાં આવે છે.
આ પ્રોજેક્ટના હેડ ડો. અનિલ ખત્રીએ જણાવ્યું છે કે ગુજરાતમાં થેલેસેમિયા મેજર બાળકોનો જન્મ અટકાવવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, ઈએસઆઈ હોસ્પિટલ અને અમદાવાદ કોર્પોરેશનની હોસ્પિટલમાં તથા શહેરના તમામ અર્બન સેન્ટર ઉપર ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ હોસ્પિટલમાં મહિલાઓ ગર્ભવતી થયાં બાદ પ્રથમ વિઝિટમાં આવે છે ત્યારે સૌથી પહેલા મહિલાઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે કે તેઓને થેલેસેમિયા તો નથી ને?
જો ખબર પડે કે ગર્ભવતી મહિલા થેલેસેમિયા માઇનોર છે તો તેના પતિનું પણ થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવે છે. જો મહિલાના પતિ પણ થેલેસેમિયા માઇનોર આવે તો પછી પ્રિન્ટેલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરીને ગર્ભસ્થ શિશુની તપાસ કરવામાં આવે છે તે ઉપરથી જાણી શકાય છે કે આવનાર બાળક થેલેસેમિયા માઇનોર છે કે મેજર છે.
કેટલાક રોગ એવા હોય છે કે જે થયાં પછી તેનું નિદાન થયાં બાદ રોગમુક્ત થઈ શકાય છે. પરંતુ થેલેસેમિયા એવી બીમારી છે કે જેને જાણકારી અને સહિયારા પ્રયાસોથી અટકાવી શકાય છે.
ભારતીય હિન્દુ લગ્ન પરંપરામાં લગ્નઇચ્છુક યુવક યુવતીની કુંડળી મેળવવામાં આવે છે. પરંતુ જો કુંડળીની સાથે થેલેસેમિયાનો રિપોર્ટ પણ મેળવવામાં આવે તો આવનાર પેઢી થેલેસેમિયા મુક્ત થાય. થેલેસેમિયાની જાણકારી એ જ તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે.
થેલેસેમિયા મેજર એટલે શું?
થેલેસેમિયા મેજર એ લોહીની આનુવંશિક ખામી છે. બાળકનો લોહીનો ઘાતક રોગ જેનો કોઈ ઈલાજ નથી. આપણાં દેશમાં થેલેસેમિયાના દોઢ લાખથી વધુ કેસ છે. દર વર્ષે નવા 10000 કેસ ઉમેરાય છે. આ રોગથી પીડાતા બાળકમાં હિમોગ્લોબિન બનતું નથી. જે શરીરના દરેક અવયવ સુધી ઑક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આ રોગ લઈ જન્મેલા બાળકને જીવાડવા માટે લગભગ દર 15 દિવસએ લોહી ચડાવવું પડે છે.
વારંવાર લોહી ચડાવવાથી બાળકના શરીરમાં અનિશ્ચિત લોહતત્વ જમા થાય છે જે ખૂબ જ નુક્શાનકર્તા છે. બાળકને આ વધારાનું લોહતત્વ દૂર કરવા માટે દરરોજ એક ઇન્જેકશન આપવું પડે છે જે ઇન્જેકશન આપવા માટે ખાસ પ્રકારનો ઇનફયુઝન પંપ દરરોજ 8=10 કલાકે આપવો પડે છે.
મોટાભાગના બાળકોમાં આ પંપ બાળકને રાત્રે સૂતા પહેલા ચાલુ કરવામાં આવે છે જે સવારે બાળક ઉઠે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે. આ બીમારીમાં બાળકને લોહીની ખૂબ જ ઉણપ, લીવરનું અને બરોળનું મોટું થઈ જવું, હાડકાંનું વાંકચૂકું થઈ જવું અને બીજી અનેક તકલીફો થાય છે.
પાંચ કરોડ ભારતીયો થેલેસેમિયા માઇનોર છે. જ્યારે પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનોર હોય છે ત્યારે ગર્ભાવસ્થામાં 25 ટકા શક્યતા છે કે આવનાર બાળક થેલેસેમિયા મેજર જન્મે. ભારત દેશમાં ચારથી પાંચ કરોડ લોકો થેલેસેમિયા વાહક છે. દર 25 ભારતીય નાગરિકોમાંથી એક નાગરિક થેલેસેમિયા વાહક છે.
થેલેસેમિયા વાહક વ્યક્તિ તંદુરસ્ત દેખાય છે. સિંધી, પંજાબી, ગુજરાતી, લોહાણા, કચ્છી, આગ્રી, બંગાળી અને મુસ્લિમ આ બધી જ જાતિઓમાં થેલેસેમિયા વધુ પ્રમાણમાં જોવા મળે છે. થેલેસેમિયા માઇનોર હોય તે વ્યક્તિએ થેલેસેમિયા માઇનોરવાળી વ્યક્તિ સાથે લગ્ન ન કરવા જોઈએ. જ્યાં સુધી બ્લડ ટેસ્ટ ન કરાવો ત્યાં સુધી એ વિશે જાણી શકાતું નથી.
નોંધ: આ લેખ ગુજરાત પાક્ષિકમાં મનીષા નિમેષ વાઘેલા દ્વારા લખવામાં આવેલ છે. આ લેખ માત્ર જાણકારી માટે અહિયાં મૂકવામાં આવેલ છે. આભાર.
સમય નીકળીને આ પણ વાંચો!
નિલગીરીના વાવેતર દ્વારા 16 લાખની આવક મેળવતા દાહોદના ખેડૂત
Gujarat Class 3 & Class 4 Fix Pay News: વર્ગ-3 અને વર્ગ-4 ફિક્સ પગારના કર્મચારી માટે સરકારનો નિર્ણય
GSEB GUJCET 2024 પરીક્ષાની તારીખ અને માળખું જાહેર
GSEB ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
Pradhanmantri Ujjwala Yojana: જાણો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 વિશે