હમણાં થોડા સમય પહેલા ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને ત્યારબાદ ભારે વરસાદ પણ પડયો હતો. આ ભારે વરસાદને પગલે ગુજરાતના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે અસર થઈ હતી. જેના પગલે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે. ખેડૂતોને આ સહાય યોજનાનો લાભ લેવા અરજી ઓનલાઈન કરવાની રહેશે અને વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલ એકમો માટે ઓફલાઇન અરજી કરવાની રહેશે.

ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ
તાજેતરમાં નર્મદા નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે આ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું. તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકશાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.
રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલ નુકશાન સામે સહાયરૂપ થવા માટે SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે. આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકશાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.
આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુના નુકશાન માટે SDRF ના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવાપાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેક્ટરદીઠ રૂપિયા 8,000 પ્રમાણે મળીને કુલ રૂપિયા 25,000 સહાય હેક્ટરદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકશાન માટે SDRF માંથી મળવાપાત્ર હેક્ટરદીઠ રૂપિયા 22,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ હેક્ટરદીઠ રૂપિયા 15,000 મળી કુલ રૂપિયા 37,500 ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મળશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઊખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નૉર્મસ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા 22,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500 ની સહાય મળીને કુલ રૂપિયા 1,25,000 ની સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
સહાય પેકેજનો લાભ લેવા માટે અસરગ્રસ્ત ખેડૂતોએ તારીખ 31 ઓકટોબર 2023 સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન કે VCE કે VLE મારફતે અરજી કરવાની રહેશે. આ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવનાર નથી.
ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારના વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલ એકમોને સહાય
ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિ સાથે સંકળાયેલ એકમોને સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ પુરથી અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવૃત્તિઓને નુકશાનીમાંથી પુનઃબેઠા કરવાના હેતુથી આ રાહત સહાય યોજના જાહેર કરી છે.
મુખ્યમંત્રી શ્રીએ આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તેમણે ઝડપથી પૂર્વવત કરવા જાહેર કરેલ આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના 40 ગામો તથા 2 શહેરો, વડોદરા જિલ્લાના 31 ગામો તેમજ નર્મદા જિલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એકમોને મળવાપાત્ર થશે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના દિશા નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે જાહેર કરેલ આ સહાય યોજના અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુનઃકાર્યાન્વિત થઈ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપશે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલ આ રાહત સહાય યોજનાની જોગવાઇઓ આ મુજબ છે.
પ્રકાર | સહાય |
લારી/રેકડી | ઉચ્ચક રોકડ સહાય રૂપિયા 5,000 |
નાની સ્થાયી કેબિનધારકો 40 ચોરસ ફૂટ સુધીનો વિસ્તાર | ઉચ્ચક રોકડ સહાય રૂપિયા 20,000 |
મોટી કેબિનધારકો 40 ચોરસ ફૂટથી વધારે વિસ્તાર | ઉચ્ચક રોકડ સહાય રૂપિયા 40,000 |
નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે પાકા બાંધકામવાળી જેનું માસિક ટર્નઓવર રૂપિયા 4 લાખ સુધી હોય | ઉચ્ચક રોકડ સહાય રૂપિયા 85,000 |
મોટી દુકાન એટલે કે પાકા બાંધકામવળી અને જેનું માસિક ટર્નઓવર (GST રિટર્ન મુજબ) રૂપિયા 5 લાખથી વધુ હોય | રૂપિયા 20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7% ના દરે વધુમાં વધુ કુલ 5 લાખ સુધીની સહાય |
પુનઃવસન સહાય યોજના માટે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઈ સહાય ચૂકવવામાં આવશે. ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તારીખ 31/10/2023 સુધીમાં સંબંધિત મામલતદારશ્રી અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ સહાય મજૂર કરવા સંબંધિત પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષપણા હેઠળ સમિતિની રચના કરવામાં આવશે.
સમય નિકાળીને આ પણ વાંચો!