ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક, વૈવિધ્યથી સમૃદ્ધ જુનાગઢ જિલ્લો (Junagadh District) – ગુજરાત પાક્ષિક

By Virat

Published on:

ગુજરાત પાક્ષિકમાં (Gujarat Pakshik) માં આવેલ જુનાગઢ જિલ્લાનો (Junagadh District) નો એક સરસ મજાનો લેખ જે આ જિલ્લા વિશે ઉપયોગી માહિતી આપે છે તે નીચે આપેલો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિધાર્થીઓ માટે પણ આ લેખ ઉપયોગી બની રહેશે અને જુનાગઢ જિલ્લા વિશે લોકોને જાણકારી મળી રહેશે.

This is the image of Junagadh District entrance gate.
Junagadh Entrance Gate (Image: Wikipedia)

જુનાગઢ જિલ્લાનો (Junagadh District) પરિચય – ગુજરાત પાક્ષિક (1 ફેબ્રુઆરી 2024 નો અંક)

(-ક્રિષ્ના સિસોદિયા – રોહિત ઉસદડ)

સૌરાષ્ટ્રની ધરતીને સંત, શૂરવીર અને દાતાઓની ભૂમિ માનવામાં આવે છે. જુનાગઢ સહિતનો સોરઠ વિસ્તાર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે યશકલગી સમાન છે. ગીરના જંગલમાં સિંહની ગર્જના અહીંયા વિશાળ પ્રાકૃતિક વારસાનો વૈભવ છે, પ્રભાતે ગુંજતા, આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાં આપણાં ગુજરાતી લોકસાહિત્યનો લોકવૈભવ છે, તો સતી રાણકદેવીની ગાથા આપણી સમક્ષ નારી-ચેતનાનું ઉત્તમ ઉદાહરણ છે.

અહીની ધરતીએ રાનવઘણ જેવા અનેક સુરવીરો આપ્યા છે. જુનાગઢ જિલ્લો પ્રવાસન અને તીર્થ સ્થળોની બાબતોમાં જંગલની વનરાઈઓ સાથે સમૃદ્ધ છે. કુદરતે જુનાગઢ જિલ્લાને દુર્લભ વન્ય જીવસૃષ્ટિ પણ આપી છે. ગિરનાર શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો ઉપરકોટ અને મકબરા ઐતિહાસિક ધરોહર છે. ભવનાથ, ગિરનારના મંદિરો, અને સાંસ્કૃતિક વિરાસત ધરાવતા અનેક સ્થળો છે. ગિરની વનરાઈઓ, ગિરનારની ગીરિકંદરાઓ, ચોરવાડ જેવા વિહારધામો પણ છે.

સ્નેહ અને શૂરાતનની ભવ્ય કથાઓ જે ભૂમિના કણ કણમાં ધબકી રહી છે, તેવી સોરઠની ધરતી સાથે રા’ખેંગારની સતી રાણકદેવી, ભક્ત કવિ નરસિંહ મહેતા સહિત અન્ય સંતો-મહંતો ઐતિહાસિક સાક્ષી પૂરી રહ્યા છે. બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે સમ્રાટ અશોકે શિલાલેખો કોતરાવી મૂક્યા હતા. દુનિયભરના ઈતિહાસમાં જુનાગઢનું સ્થાન એક રીતે વિશિષ્ટ છે.

અઢી હજાર વર્ષ સુધી જે નગરનો ઈતિહાસ સળંગ મળતો હોય તેવા નગરો બહુ થોડા છે. તેમાં પણ આટલો વિગતપૂર્ણ ઈતિહાસ કોઈ નગરનો મળતો નથી. અઢી હજાર વર્ષ પૂર્વેનો ઈતિહાસ તે સામેની શાખ પૂરતો અશોક શિલાલેખ ગિરિનગરની આ ધર્મ લિપિમાં ગુજરાતી સંસ્કારને ઘડનારું સૌપ્રથમ ઈતિહાસસિદ્ધ બળ છે. કુદરતે જુનાગઢને એક અનોખી તાસીર આપી છે. પ્રવાસી સોરઠની સરહદમાં પ્રવેશે અને તેને એક ગજબ કામણગારી ધબકતી ધરતી સાથે સોરઠ ધરા સોહામણી જણાય છે.

દસ તાલુકાઓ સાથે વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતો જુનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાથી સમૃદ્ધ છે. એશિયાઈ લાયન માટેનું એકમાત્ર નિવાસસ્થાન ધરવતું ગીરનું અડાબીડ જંગલ, આભને આંબતા ગિરનાર પર્વત સાથે સમૃદ્ધ ખેતીએ આ જિલ્લાની આગવી ઓળખ અને તાસીર છે.

જુનાગઢ જિલ્લાનો સ્થાપના દિવસ નોટિફિકેશન મુજબ તારીખ 09/11/1949 છે. પરંતુ વહીવટી દ્રષ્ટિએ તારીખ 19/04/1949 છે. જુનાગઢ જિલ્લાનો ઈતિહાસ આરઝી હકૂમતની લડાઈ બાદ જુનાગઢ ભારતમાં જોડાયું હતું. નવાબી શાસનને લીધે જુનાગઢને ત્રણ મહિના મોડી આઝાદી મળી હતી. જુનાગઢ જિલ્લાનું વડુ મથક જુનાગઢ છે.

જુનાગઢનું ભૌગોલિક સ્થાન પૃથ્વી પર 21.65 થી 20.98 અને 69.94 થી 70.95 પૂર્વ રેખાંશ અને ક્ષેત્રફળ 4553.67 ચો.કિ.મી. છે. વિવિધતા છતાં એકતાને અકબંધ રાખતો જુનાગઢ જિલ્લો 15,27,292 ખમીરવંતી પટેલ, આહીર, મેર, કોળી, રબારી, લોહાણા, ક્ષત્રિય, બ્રામ્હણ, મુસ્લિમ સમાજની મુખ્ય વસ્તી ધરાવે છે. આ જિલ્લાનું સમાજજીવન-લોકજીવન ભાતીગળ છે. સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવતો જુનાગઢ જિલ્લો ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક, વૈવિધ્યથી સમૃદ્ધ છે. જુનાગઢ જિલ્લો સહેલાણીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.

જુનાગઢ શહેર જિલ્લાના જોવાલાયક યાત્રાસ્થળો

નરસૈયાની નગરી જુનાગઢ હવે ઐતિહાસિક, ધાર્મિક મહત્વ ધરાવતું નવાબી શહેર, હંમેશા પ્રવાસીઓ-યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જુનાગઢના કાંગરે-કાંગરે ઇતિહાસ કંડારાયેલો છે. આપણે જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોથી શરૂઆત કરીએ.

એશિયનો સૌથી મોટો રોપ-વે-પ્રોજેક્ટ

This is the image of Girnar Ropeway.
Girnar Ropeway Image (Image: Wikipedia)

ગિરનાર સહિત જુનાગઢની ઐતિહાસિક વિરાસતને યાત્રિકો-શ્રદ્ધાળુઓ જુએ, માણે અને જુનાગઢમાં વિહરે તેવા હેતુએ ગિરનાર રોપ-વે શરૂ કરાયો છે. 2.32 કિ.મિ.નો એશિયનો સૌથી મોટો અને આધુનિક પ્રોજેક્ટ છે. 5500 જેટલા પગથિયાં ચડીને માં અંબાના દર્શન માટે બે થી ચાર કલાકનો સમય થતો જે હવે રોપ-વેના માધ્યમથી આઠ મિનિટમા પહોંચી શકાશે. નવી મોનો કેબલ ટેકનોલોજીમાં 25 આધુનિક ડિઝાઈનની ટ્રોલી છે. એક કલાકમાં 800 લોકોનું પરિવહન થાય છે.

મ્યુઝિયમ

Junagadh Museum Image
Junagadh Museum (Image: touristplaces.net.in)

જુનાગઢ સ્ટેટના છેલ્લા નવાબ પોતાનો દરબાર જે કચેરીમાં ભરતા તે આ સ્થળ છે. હાલ મ્યુઝિયમ સરદારબાગમાં આવેલું છે. જુનાગઢ સ્ટેટના છેલ્લા નવાબ મહોબતખાન જુનાગઢ છોડીને ચાલ્યા જતાં આ મિલકતનો કબજો રિજિયોનલ કમિશનરશ્રી રાજકોટે ભારત સરકાર વતી તારીખ 09/11/1949 ના સાંભળેલ હતો. ચાંદીની ખુરશીઓ અને પુરાતન કાળના દર્શન કરાવતી બીજી અનેક ચીજો જેમાં 18-19 મી સદીના શસ્ત્રો, વસ્ત્ર, ભવ્ય તૈલ ચિત્રો, ઊની ગાલીચા વગેરે દરબાર હૉલ મ્યુઝિયમમાં સચવાયેલા છે.

પર્વતાધિરાજ ગિરનાર

પર્વતાધિરાજ ગિરનાર હિમાલયને પત્ર લખે તો ચિરંજીવી શરૂઆત કરવી પડે એટલો પુરાણો આ પર્વત છે. લોકો એને ગિરનારી મહારાજ પણ કહે છે. જેમાં તેત્રીસ કોટી દેવ, નવનાથ, ચોરાસી સિદ્ધો અને બાવન વિરનો વાસ હોવાની માન્યતા છે, ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેને 10,000 થી વધુ પગથિયાં છે. તેની સમુદ્રની સપાટીથી ઊંચાઈ 3000 ફૂટથી વધારે છે. આ પ્રાચીન પુરાણ પ્રસિદ્ધ ગીરના પર્વતને પૂર્વકાળમાં રૈવત, રૈવતક, રૈવતાચળ, ઉજ્જયંત, ગીરીનારાયણ પણ કહેતા.

ગિરનારના મુખ્ય પાંચ શિખરોમાં ગૌરખનાથનું શિખર સૌથી ઊંચું 3666 ફૂટ, માળી પરબ 1880 ફૂટ ઊંચું છે. આ ગિરિમાળા 70 ચોરસ માઈલમાં વિસ્તરેલી છે. ગિરનર્મ ઝીણાબાવાની મઢી, જાંબુવનની ગુફા, બોરદેવી, ઈંટવા, ખોડિયાર, માળવેલા, સતપૂડા સહિત અન્ય જાણીતા સ્થળો આવેલા છે. જ્યારે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમા ઓલિયા પીર દાતાર બાપુ પણ ગિરિમાળામાં શોભે છે.

Girnar Parvat Image
Girnar Parvat (Image: Wikipedia)

ગિરનાર ઉપર જોવાલાયક પવિત્ર તીર્થ સ્થળોમાં અંબાજી માતાનું મંદિર સૌથી પુરાણું છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવી પુણ્યનું ભાથું બાંધે છે. આ ઉપરાંત ગિરનાર ઉપર વસ્તુપાળ તેજપાળના દેરા, જૈન દેરાસરો, ગૌમુખી ગંગા, કમંડળ કુંડ અને પાંડવ ગુફા સહિત અન્ય સ્થળો માણવાલાયક છે. હવે તો અંબાજી સુધી રોપ-વે ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ઉપરકોટ

જુનાગઢ અને સોરઠ પ્રદેશની ભવ્યતાને પ્રતિબિંબિત કરતો આ ઉપરકોટનો કિલ્લો આપણી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની સમૃદ્ધિ દર્શાવે છે. ઈતિહાસકારો નોંધે છે તે મુજબ અગાઉ આ કિલ્લો ગિરિદુર્ગ નામે ઓળખાતો હતો. એક કિવદંતી મુજબ આ પ્રાચીન કિલ્લો સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યના સમયમાં બંધાયો હતો.

કાળક્રમે રાનવઘણ અને તેના પુત્ર રા ખેંગારે ઈસવીસન 1025 થી 1067 ના સમય દરમિયાન અડી-કડી વાવ અને નવઘણ કૂવો બનાવી પાણીની વ્યવસ્થા કરી હતી. ઈસવીસન 1893-94 માં જુનાગઢ તે સમયના દિવાન હરીદાસ વિહારીદાસે આ ઉપરકોટના કિલ્લાનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો. કિલ્લા ઉપરથી દેખાતા ગિરનાર હિલ તરફના શહેર અને પૂર્વ તરફના દશ્યો શાનદાર છે, કિલ્લાની અંદર હજાર વર્ષ જૂની બૌદ્ધ ગુફાઓનો સમૂહ પણ આવેલ છે.

Uparkot Fort Gate, Junagadh Image
Uparkot Fort, Junagadh (Image: Wikipedia)

ગુજરાત સરકાર અને રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આ પ્રાચીન અને ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાને નવી ભવ્યતા બક્ષવા અને નવા રંગરૂપ સાથે અંદાજે રૂપિયા 74 કરોડના ખર્ચે રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે. 62 એકરમાં ફેલાયેલા આ વિશાળ કિલ્લાનું નવીનીકરણનું કામ બે ફેઝમાં કરવામાં આવ્યું છે.

જેમાં અડી-કડી વાવ, નવઘણ કૂવો, રાણક મહેલ, અનાજ ભંડાર, ગાર્ડન એરિયા, વોચ ટાવર, પાથવે, સાઈકલ ટ્રેક, ફિલ્ટરેશન ટાવર, ગન પાઉડર એરિયા, એન્ટ્રેસ ટાવર, બારૂદ ખાના 1 અને બ 2, એન્ટ્રી-એક્ઝિટ ગેટ, ઈનલેટ ટાવર, કેનોન એરિયા સહિતના કામોને આવરી લેવામાં આવ્યા હતા. ઉપરાંત જુનાગઢ આવતા સહેલાણીઓ માટે ઉપરકોટમાં શરૂ થવા જઈ રહેલો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ભવનાથ મંદિર તથા મૃગીકુંડ

Bhavnath Mahadev Temple Junagadh
Bhavnath Mahadev Temple Junagadh (Image: Wikipedia)

ગિરનાર તળેટીમાં ઐતિહાસિક મૃગીકુંડ સાથેનું ભવનાથ મંદિર જુનાગઢ પૌરાણિક ધાર્મિક સ્થળ છે. શિવરાત્રી પ્રસંગે અહી યોજાતા મેળામાં ભક્તજનો તથા જુદા જુદા સંપ્રદાય અને મઠોમાંથી દિગંબર સંતો બહુ મોટી સંખ્યામાં દેશના ખૂણેખૂણેથી અહી આવે છે. દિગંબર સાધુઓની રેવડી શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ છે.

દામોદર કુંડ

Damodar Kund, Junagadh
Damodar Kund, Junagadh (Image: Wikipedia)

જુનાગઢ શહેરથી થોડાક અંતરે ગિરનાર તરફ જતાં રસ્તામાં સોનરખ નદીમાં આ પવિત્ર કુંડ આવેલો છે. તેને કાંઠે દામોદર રાયજીનું પ્રાચીન મંદિર આવેલું છે. શ્રી મહાપ્રભુજીની બેઠક પણ ત્યાં છે. આ કુંડમાં ભગવાન બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજીનો વાસ છે. અને અહી અસ્થિ પધરાવવાથી આપમેળે ઓગળી જાય તેવી માન્યતા છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય

પ્રવાસીઓ શહેરમાં પ્રવેશે ત્યાં જ તેમેને આકર્ષતા સ્થળોની શરૂઆત થઈ જાય છે. જેમાં રાજકોટ તરફથી આવતા પ્રથમ સક્કરબાગ આવે છે. 1863 માં જુનાગઢના તત્કાલીન નવાબ મહોબતખાન બીજાના સમયમાં સ્થપાયેલું ભારતના સૌથી પુરાતન પ્રાણી સંગ્રહાલયમાંનું એક છે. છેલ્લા 158 વર્ષથી વધુ વર્ષથી સંરક્ષણ, શિક્ષણ અને જ્ઞાનવર્ધક મનોરંજન માટે આ પ્રાણી સંગ્રહાલય પથરાયેલ છે. અહી દર વર્ષે 8.50 લાખથી વધુ મુલાકાતીઓ પોતાની જિજ્ઞાસા તથા શૈક્ષણિક જરૂરીયાતોને સંતોષે છે.

Sakkarbaug Zoo, Junagadh
Sakkarbaug Zoo, Junagadh (Image: junagadh.nic.in)

ઉપરાંત જુનાગઢ શહેરમાં નરસિંહ મહેતાનો ચોરો, ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ નૂતન મંદિર, બાબા પ્યારાની ગુફા, ખાપરા કોડિયાની ગુફાઓ, ભૂતનાથ મહાદેવનું ભવ્ય મંદિર, પંચહાટડી પાસે આવેલી ગલીના નામથી જાણીતા બનેલા સ્થાનમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મંદિર હવેલી તથા જૂનું સ્વામિનારાયણ મંદિર જેવા અનેક ઐતિહાસિક તથા ધાર્મિક સ્થાન આવેલા છે.

દાતાર

Datar, Junagadh
Datar, Junagadh (Image: trawell.in)

ગિરનારની દક્ષિણે દાતાર પર્વત આવેલો છે. ત્યાં જમીયલશા પીરની દરગાહ આવેલી છે. આ પર્વત સમુદ્ર સપાટીની 2779 ફૂટની ઊંચાઈએ છે. દાતાર પર્વત પર ઈ.સ. 1894 માં પગથિયાં બંધાવ્યા. જુનાગઢ નગર અને દાતાર પર્વત વચ્ચેના રસ્તે નીચલા દાતારથી જાણીતો એક રસ્તો પણ છે.

વનરાજોનું વિહારધામ ગીર અભયારણ્ય – સાસણ ગીર

Sasan Gir, Junagadh Image
Sasan Gir, Junagadh (Image: Wikipedia)

જુનાગઢથી 70 કિમીના અંતરે આવેલ સાસણ-ગીર વન્યપ્રાણી પ્રેમીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાનમાં મુકત અને વિહરતા વન્યપ્રાણીઓનો લ્હાવો માણવા વન વિભાગ દ્વારા નિયત ચાર્જ લઈ વાહન વ્યવસ્થા આપવામાં આવે છે. સાસણ ગીર નજીક દેવળીયા પરિચય ખંડમાં 450 જેટલા હેકર વિસ્તારમાં 4 પેટા પ્રકારના જંગલનું વાતાવરણ છે. આથી આ વિસ્તાર વન્યપ્રાણીઓ માટે ઘણો સમુદ્ર અને રક્ષિત છે.

અશોકનો શિલાલેખ અને પર્વતીય લેખો

દામોદર કુંડથી જુનાગઢ તરફ આવતા રસ્તામાં સમ્રાટ અશોકના ત્રણ પાવરતીય શિલાલેખો આવેલ છે. તેમાં પ્રથમ મોર્ય સમ્રાટ અશોકે તેના રાજ્યારોહણના 12 માં વર્ષમાં લગભગ ઈ.સ. 256 માં રાજઆજ્ઞા પ્રસિદ્ધ કરી છે. આ લેખ 75 ફૂટના પરિઘનો છે. તેમાં લગભગ 100 ફૂટના વિસ્તારમાં 14 વિભાગોમાં શાસનો લખી પ્રજાને હિંસાથી દૂર રહેવા, ઔષધીય વનસ્પતિનું વાવેતર કરવા, સંયમ-નિયમનું પાલન કરવા, માંગલિક કૃત્યો કરવા, ભિક્ષુકોને દાન આપવા, બ્રાહ્મણ તથા શ્રમણને સરખા ગણવા, તમામ સંપ્રદાયો અનુસરનારાઓને અરસપરસ સંપ કેળવવા રાજઆજ્ઞા આપી છે.

Junagadh Ashok Shilalekh
Junagadh Ashok Shilalekh (Image: Wikipedia)

આ લેખની બાજુમાં શક સંવત 72 (ઈ.સ. 150 માં) ભારે વર્ષા અને વાવાઝોડાના કારણે મોર્યકાળમાં બાંધેલા સુદર્શન તળાવની પાળ ફાટી ત્યારે તત્કાલીન મહાક્ષત્રપ રુદ્રદામાએ પ્રજા પાસેથી કોઈપણ જાતનો ખર્ચ લીધા વગર તે પાળનું સમારકામ કરાવ્યું તેની નોંધ સહિત અન્ય વિગતો છે.

સતાધાર

Satadhar Junagadh Image
Satadhar Junagadh (Image: google.com/Divya Gondaliya)

ગિરનારની ગોદમાં જુનાગઢથી 55 કિલોમીટર અને વિસાવદરથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલું લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર સતાધાર પવિત્ર યાત્રાધામ તરીકે જગવિખ્યાત છે. સંવત 1865 માં આપાગીગાએ જ્યાં અતીત, અભ્યાગત, સાધુ, ફકીર, દિવ્યાંગો, કોઢીયા અને રક્તપિતીયાઓની સેવા માટે ધૂણી ધખાવી હતી.

સંત દેવીદાસ અમર દેવીદાસનું સ્થાન પરબ વાવડી

રક્તપિત કુષ્ઠ રોગના દર્દીઓને સમાજ જ્યારે અસ્પૃશ્ય અને અછૂત ગણાતો ત્યારે જીવા રબારીને ત્યાં જન્મેલા દેવા રબારીએ કૃષ્ઠ રોગીઓની સેવા શુશ્રુપા કરવાની કઠિન જવાબદારી અંતઃ સ્ફૂરણાથી ઉપાડી લીધી હતી. દેવા રબારી બાદમાં સંત દેવીદાસ નામે ઓળખાવા લાગ્યા, તેમણે ભેંસાણ પાસે વાવડી ગામની આજુબાજુમાં સેવાની જ્યોત જલતી રાખી.

સમય જતાં વાવડી પરબ વાવડી બન્યું. અહી રક્તપિતના દર્દીઓની સેવામાં સંત દેવીદાસની પ્રેરણા મળતા આહીર કન્યા અમરબાઈનો પણ સંગાથ સાંપડયો. અહી સત દેવીદાસ અમરે દેવીદાસની સમાધિ છે. દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે લોકમેળો યોજાય છે.

બિલખા

શેઠ સગાળશાનું નામ આવતાં ચેલૈયાનું બલિદાન યાદ આવે છે. અહી ભગવાને સાધુ સ્વરૂપે શેઠ સગાળશાના ઘરે પધારી જમણમાં તેના પુત્રનું બલિદાન માંગ્યું હોવાની માન્યતા છે. ધર્મવીર શેઠ સગાળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તૃપ્ત કર્યા.

તિરૂપતિ મંદિર

જિલ્લા મથક જુનાગઢથી 22 કિમીના અંતરે વંથલી તાલુકામાં આવેલા ખોરાસા ગામમાં શ્રી વેંકટેશ ભગવાનનું ભવ્ય મંદિર છે. જુનાગઢ આદ્ય કવિ નરસિંહ મહેતા માટે શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયાં તે જ પવિત્ર સ્થાને ખોરસા ગામ વસ્યું હોવાનું અનુમાન છે.

કનકાઈ મંદિર

જુનાગઢથી તુલસીશ્યામ જતાં બાણેજ પહેલા ગીર મધ્યે કનકાઈ માતાનું મંદિર આવેલું છે. અખૂટ કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે શાંત સ્થળે આવેલ મંદિર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

નીલકંઠવર્ણી ભૂમિ, લોજપુર (લોએજ)

ભગવાન સ્વામિનારાયણે છપૈયાથી રાષ્ટ્ર પરિભ્રમણ કરીને લોજપુરમાં સાત વર્ષ ઉપરાંત ઉગ્ર તપસ્યા કરી હતી અને તેઓ સંપ્રદાયમાં નીલકંઠ વર્ણી તરીકે પૂજાયા હતા. માંગરોળ નજીકનું લોજપુર ધામ નીલકંઠ ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. પૌરાણિક કથા અનુસાર લોજપુરમાં લોમસ ઋષિનો આશ્રમ હતો એ જ જગ્યાએ શ્રી રામાનંદ સ્વામીએ આશ્રમ સ્થાપ્યો હતો.

વંચિત વિકાસ

જુનાગઢ જિલ્લામાં વિકસતી જાતિ કલ્યાણ ખાતાની કચેરી દ્વારા લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ વર્ષ 2022 માં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગની 4726 કન્યાઓને રૂપિયા 554.62 લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ સાત ફેરા સમૂહ લગ્ન યોજના 167 કન્યાઓને તથા સમૂહ લગ્નનું આયોજન કરનાર સંસ્થાઓને સહાય પેટે રૂપિયા 23.13 લાખની સહાય ચૂકવવામાં આવી છે. સરસ્વતી સાધના સાઈકલ સહાય યોજના હેઠળ 4513 કન્યાઓને સાયકલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રૂપિયા 294.44 લાખની મકાન સહાય ચૂકવવામાં આવેલ છે.

નિષ્કર્ષ

આ લેખમાં તમે જુનાગઢ જિલ્લા વિશે ઘણું વધુ જાણવા જેવુ અને જુનાગઢ જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળો વિશે માહિતી મેળવી. આ લેખ તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો તો તેમાં પણ ઉપયોગી બની રહેશે. આ લેખ ગુજરાત પાક્ષિક તારીખ 01/02/2024 ના અંકમાં આવેલ છે અને માહિતી ઉપયોગી હોવાથી અહિયાં મૂકવામાં આવેલ છે. જો તમે જુનાગઢ જિલ્લામાં આવેલ વધુ માહિતી જાણતા હોવ તો કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો. આભાર.

Source: Gujarat Pakshik (ગુજરાત પાક્ષિક)

Virat

Hello, I am Virat. I am a blogger since 2015 & I am a educational blogger. I am providing information related education, competitive exams & latest recruitment. This Gujju247 is created for spreading important Gujarati information to Gujarati peoples who are living Worldwide & Gujarat, India. Thank You!

Related Post

PM Kisan Yojana Payment Status Check: પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તાની સહાય થઈ જમા, તમારા ખાતામાં આવ્યો કે નહીં? ચેક કરો માત્ર એક મિનિટમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને ટૂંકમાં પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) તરીકે ઓળખવામાં આવે છે જે ખેડૂતો માટેની યોજના છે. આ યોજનામાં દર ત્રણ મહિને 2000 ...

ગૌણ સેવા પસંદગી મંડળની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો માટે ખુશખબર, વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક નોટિફિકેકશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3 (Stenographer Grade-II) (જાહેરાત ક્રમાંક 201/202223) પરીક્ષા આપેલ ઉમેદવારો નું સિલેક્શન લિસ્ટ ...

GSSSB Kanyan Technical Assistant Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ કન્યાન તાંત્રિક મદદનીશ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો સંપૂર્ણ વિગતે અહિયાથી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 220/202324 કન્યાન તાંત્રિક મદદનીશ (Kanyan Technical Assistant) વર્ગ-3 પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારો ...

GSSSB Occupational Therapist Syllabus 2024: ગૌણ સેવા પસંદગી મંડળ ઓકયુપેશનલ થેરાપીસ્ટ પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર, વાંચો વિગતે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની જાહેરાત ક્રમાંક 218/202324 ઓકયુપેશનલ થેરાપીસ્ટ વર્ગ-3 (Occupational Therapist) પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ (Syllabus) મંડળ દ્વારા અધિકારીત વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. ...

Leave a Comment

error: Content is protected !!