ભારતીય સંવિધાનના શિલ્પી ડો. બાબાસાહેબ આંબેડકર

પ્રખર વિદ્ધાન, સમાજ શાસ્ત્રી, અર્થતંત્રના જ્ઞાતા, મહિલા ઉત્કર્ષના પ્રણેતા, નીડર સમાજસેવક, સાહિત્યકાર, સંશોધનકાર, કાયદાશાસ્ત્રી, લેખક, પત્રકાર, ભારતીય સંવિધાનના શિલ્પી, સમાજ સુધારક, સાથોસાથ વંચિતોના હમદર્દ અને સમગ્ર માનવજાતિના ઉદ્ધારક આ સર્વે વિશેષણો ઓછા પડે એવી વિરલ વિભૂતિ એટલે આપણાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર. ભારત જ નહીં પણ વિશ્વવિખ્યાત એવા ડો. બાબાસાહેબ આંબેડકર વિશે આજે થોડો પરિચય મેળવીશું.

ભારતીય સંવિધાનના શિલ્પી ડો. બાબાસાહેબ આંબેડકર

આંબેડકરનું શરૂઆતનું જીવન

ભારતરત્ન એવા ડો. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ મી એપ્રિલ ૧૮૯૧ ના રોજ દિવસે મિલીટરી હેડક્વાર્ટસ ઓફ વોર મહુ ખાતે (જિલ્લો ઈન્દોર, મધ્યપ્રદેશમાં) થયો હતો. ભીમરાવ એ રામજી સકપાલ અને માતા ભિમાબાઈનું ચૌદમુ સંતાન હતા.

અન્યાય સામે અવાજ ઉઠાવવાનો વારસો ભીમરાવને વારસા રૂપે પિતા તરફથી મળ્યો હતો. પિતા રામજી સૂબેદારે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાએ મહારોને સેનામાં ભરતી કરવા પર મનાઈ ફરમાવી તેના વિરુદ્ધ તથા હૂકમને રદ્દ કરવા ગવર્નર સમક્ષ રજૂઆત કરી હતી.

શિક્ષણ

ઈ.સ. ૧૮૯૪ માં પિતાની નિવૃત્તિ બાદ મળતા માસિક રૂપિયા ૫૦ પેન્શનને લીધે આર્થિક સંકડામણનો સામનો કરવો પડયો તેથી મુંબઈ સ્થિર થવા વિચારેલું અને અંતે દાપેલી અને સાતારા તરફ પ્રયાણ કર્યું ડો બાબાસાહેબે કુમાડી વયે જ માતાની શીતડ છાયા ગુમાવી. ૧૮૯૭ માં છ વર્ષની ઉમરે મોંટાભાઈ આનંદરાવ સાથે કેમ્પ સ્કૂલ સતારામાં ભીમરાવ ને દાખલ કર્યા.

પ્રતિભાશાળી ભીમરાવને તેમના શિક્ષક કૃષ્ણરાવ કેશવરાવે પોતાની અટક આંબેડકર આપી. ઈ.સ. ૧૯૦૨ માં સતારાની નોકરી છૂટી જતાં પિતા સાથે મુંબઈની લોઅર પરેલની ડબલ ચાલમાં રહેવા આવ્યા હતા. ભીમરાવને પહેલા મરાઠા હાઇસ્કૂલમાં અને પછી એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલમાં દાખલ કર્યા હતા.

તારીખ ૯ નવેમ્બર ૧૯૦૬ ના રોજ શ્રી ભીખુ ધોતરેની પુત્રી રમાબાઈ સાથે વિવાહ થયા હતા. ઈ.સ. ૧૯૦૭માં એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો જે બદલ સીતારામ કેશવ બોલેની અધ્યક્ષતામાં સત્કાર સમારંભ પણ યોજાયો હતો. જેમાં કૃષ્ણાજી કેબુસ્કરે ભગવાન બુદ્ધનું ચરિત્ર પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

ઈ.સ. ૧૯૦૮ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી પર્શિયન અંગ્રેજી સાથે બી.એ. પાસ કર્યું હતું.

ગુજરાત સાથેનો નાતો

ડો. બાબાસાહેબ આંબેડકરનો ગુજરાત સાથે ઘનિષ્ઠ નાતો રહ્યો છે. ઈન્ટર પછીના અભ્યાસ માટે વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા તેમને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિ મેળવી તેમણે કોલેજ અભ્યાસ-ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજની કેન્ટીનમા વિધાર્થીઓનો પ્રવેશ આપવાની ઝુંબેશ કરનાર ભટ્ટ મહોદયે આંબેડકરજીને કેન્ટીનમાં પ્રવેશ કરાવ્યો હતો.

ગ્રેજ્યુએટ ભીમરાવ આંબેડકરને વડોદરામાં જ પ્રથમ નોકરી મળી હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા પેટલાદના શિવરામ જેરામના અવસાનથી ખાલી પડેલી જગ્યા ઉપર તેમની રાજ્યના કાયદા કાઉન્સિલની ધારાસભામાં પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. આ સમયે તેઓ કારેલીબાગના અંત્યજ છાત્રાલયમાં રહેતા હતા. જેના ગૃહપતિ આર્યસમાજી આત્મારામ અમૃતસરી હતા. બાબાસાહેબ આંબેડકર અમેરિકામાં પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

પત્રકારત્વ

ડો. બાબાસાહેબ આંબેડકર નીડર પત્રકાર હતા. જાન્યુઆરી ૧૯૨૦ માં તેઓએ “મુકનાયક” મરાઠી પાક્ષિકનો શુભારંભ કર્યો હતો. એપ્રિલ ૧૯૨૭ માં “બહિષ્કૃત ભારત” નામના મરાઠી પાક્ષિકનો પણ પ્રારંભ કર્યો હતો. તો વળી “સમતા” પાક્ષિક સપ્ટેમ્બર ૧૯૨૭ માં શરૂ કર્યું હતું. ડિસેમ્બર ૧૯૩૦ માં “જનતા” સામાયિક શરૂ કર્યું હતું.

ડો. આંબેડકરે યુવાનોને માતૃભૂમિની સેવા કરવાનું આહ્યાન આપતો લેખ મુકનાયકમાં લખ્યો હતો અને તેમાં લખ્યું હતું કે કોઇથી ડરો નહીં પોતાના હક્કો માટે લડો, જેમ રોગ આપત્તિમાં આપણે અડચણો સહન કરવી પડે છે એવી જ રીતે આપણે સમાજની ઉન્નતિના માર્ગમાં દુખ તો છે.

પરંતુ ડરીને હિંમત ગુમાવી દેવી એ પુરુષાર્થ નથી, જે સમાજમાં આપનો ઉછેર થયો છે એના હિત માટે અને જે દેશમાં આપણે જન્મ લીધો અને મોંટા થયાં તે માતૃભૂમિના ઉદ્ધાર માટે ઋણ મુક્ત થવા માટે કાયાનો ઉપયોગ કરો અને આપની કીર્તિને અમર કરો.

અવસાન

આર્ષદ્રષ્ટા અને આજીવન કર્મયોદ્ધા એવા ડો. બાબાસાહેબ આંબેડકરનું ખરાબ તબિયતને કારણે તારીખ ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ દિલ્હી ખાતે અવસાન થયું હતું.

બાબસાહેબ રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક, સાંસ્કૃતિક તેમજ માનવ અધિકારો આપવા માટે આજીવન અવિરત સંઘર્ષ કરીને છેવાડાના સમાજને તેમના અધિકારો અપાવીને જ રહ્યા હતા.

ડો. બાબાસાહેબ આંબેડકર દેશ અને નવી પેઢીના યુવાનો માટે હરહંમેશ પ્રેરણામૂર્તિ બનીને રહેશે.

બાબાસાહેબની જીવનગાથાની તવારીખ:

૯ મે ૧૯૧૬: કોલંબિયામાં સમાજશાસ્ત્ર વિષયના એન્થ્રોપોલોજી સેમિનારમાં “કાસ્ટ ઈને ઈન્ડિયા” સંશોધન પેપર પ્રસિદ્ધ કર્યું.

૧૯ ઓકટોબર ૧૯૧૬: લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ લંડનમાં એમ.એસ,સી. અને ડી.એસ,સી. ની પદવી માટે પ્રવેશ મેળવ્યો.

જૂન ૧૯૧૬: પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરવા નેશનલ ડિવિડન્ડ ઓફ ઈન્ડિયા શીર્ષક હેઠળ મહાનિબંધ (કોલંબિયા યુનિવર્સિટી) માં પરજૂ કર્યો.

જૂન ૧૯૧૭: છાત્રવૃતિની મુદ્દત પૂરી થતાં ભારત પાછા આવ્યા અને ડી.એસ.સી. (અર્થશાસ્ત્ર) નો મહાનિબંધ અધૂરો મૂકવો પડયો.

૨૮ જુલાઈ ૧૯૨૦: એમ.એસ.સી. અને ડી.એસ.સી. ડિગ્રી માટે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં અને “ગ્રેજ ઇન”માં બેરિસ્ટર અભ્યાસ માટે દાખલ થયાં.

૨૯ જૂન ૧૯૨૧: લંડન યુનિવર્સિટી દ્વારા એમ.એસ.સી. (અર્થશાસ્ત્ર) ની પદવી પ્રાપ્ત કરી.

૩૦ મે ૧૯૨૧: જર્મનીમાં સંસ્કૃતનો અભ્યાસ કરવા બોન (BONN) યુનિવર્સિટીમા પ્રવેશ.

નવેમ્બર ૧૯૨૩: પ્રોબ્લેમ ઓફ રુપી “The Problem Of Rupee” થીસિસ મહાનિબંધ ડી.એસ.સી. અર્થશાસ્ત્રની પદવી માટે સ્વીકૃત થયો.

૧૫ ડિસેમ્બર ૧૯૪૬: અખંડ ભારતની હિમાયત કરતું બંધારણ સભામાં પ્રથમ ઐતિહાસિક પ્રવચન.

ઓગષ્ટ ૧૯૪૭: સ્વતંત્ર ભારતના સંવિધાન માટેની ડ્રાફટિંગ કમિટીમાં નિયુક્તિ.

ઓગષ્ટ ૧૯૪૭: નહેરુ કેબિનેટમાં સ્વતંત્ર ભારતના કાયદા પ્રધાન બન્યા.

નવેમ્બર ૧૯૪૮: ડ્રાફટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે સાંસદમાં ભારતીય સંવિધાનનો મુસદો રજૂ કર્યો.

૨૪ ફેબ્રુઆરી ૧૯૪૯: સિલેકટ સમિતિના અધ્યક્ષ તરીકે “હિન્દુ કોડ બિલ” ની કાર્યવાહી પૂર્ણ કરી,

ડિસેમ્બર ૧૯૫૫: Thoughts On Linguisic States (થોંટસ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટસ) ભાષાવાર રાજ્ય પુનઃરચના વિશે વિચાર પુસ્તકનું પ્રકાશન.

ફેબ્રુઆરી ૧૯૫૬: “જનતા” સાપ્તાહિકનું “પ્રબુદ્ધ ભારત” નવું નામાભિધાન કરવામાં આવ્યું.

૧૪ ઓકટોબર ૧૯૫૬: નાગપુર ખાતે બૌદ્ધ ધર્મનું દીક્ષાગ્રહણ.

નવેમ્બર ૧૯૫૬: The Buddha and His Dharma (બુદ્ધ અને તેમના ધર્મ) અને Revolution and Counter Revolution (ક્રાંતિ-પ્રક્રાંતિ) બંને ગ્રંથનું લેખન કાર્ય પૂર્ણ કર્યું.

૬ ડિસેમ્બર ૧૯૫૬: અલીપુર રોડ, દિલ્હીમાં પરિનિર્વાણ.

૭ ડિસેમ્બર ૧૯૫૬: દાદર, ચોપાટી, મુંબઈ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા જે ચૈતયભૂમિના નામે સુપ્રસિદ્ધ છે.

Source: Gujarat Pakshik (Gujarat Information)

Gujju 24/7 એ ગુજરાતી ભાષામાં દરેક ગુજરાતીને જ્ઞાન મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. Gujju 24/7 માં તમને ગુજરાતી જનરલ નોલેજ, ગુજરાતી જાણવા જેવુ, દિન-વિશેષ, સરકારી ભરતીની માહિતી અને અન્ય શૈક્ષણિક માહિતી જે ઉપયોગી હશે તે બધું જ ગુજરાતી ભાષામાં તમને અહીથી મળી રહેશે અને તમને સારું સારું વાંચવાનું મળી રહે તે માટે Gujju 24/7 હંમેશા પ્રયત્નશીલ રહેશે.

Leave a Comment